વડોદરા માંજલપુરમાં પાલતુ શ્વાન બાબતે વિવાદ
સોસાયટીમાં ગંદકી કરવા મુદ્દે પાડોશીઓ વચ્ચે તકરાર
યુવકે ઉશ્કેરાઈને મહિલા પર ક્રિકેટ બેટ વડે જીવલેણ હુમલો કર્યો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની એક સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે શ્વાન રાખવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પાડોશી યુવકે ઉશ્કેરાઈને એક મહિલા પર ક્રિકેટ બેટ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
વડોદરા માંજલપુરની એક સોસાયટીમાં રહેતો યુવક પોતાના પાલતુ શ્વાનને પાડોશીના ઘર સામે ઊભા રાખીને ટોયલેટ કરાવતો હતો. આ બાબતે પાડોશી મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે શ્વાનને અન્યના ઘર પાસે ગંદકી ન કરાવવી જોઈએ.મહિલાની આ સમજાવટથી ઉશ્કેરાયેલા શ્વાન માલિક યુવકે ઉશ્કેરાઈને મહિલા પર હુમલો કર્યો હતો. યુવકે ક્રિકેટ બેટ વડે મહિલાના માથાના ભાગે જોરદાર ફટકો મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલાના પગલે મહિલા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની અટકાયત કરી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

