‘I Love Gujju’ની નવરાત્રી રિયાલિટી રીલને લઈને વિવાદ
નવરાત્રી અંગેનો વીડિયો અપલોડ થતાં વિવાદ વકર્યો
વિવાદાસ્પદ રીલને લઈને બજરંગ દળ અને ઇન્ફ્લુએન્સર સામસામે
સોશિયલ મીડિયા પર નવરાત્રીની રીલને લઈને ચર્ચા તેજ
ભાવનગરના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રવિરાજ ભીખાભાઈ રાઠોડ જેઓ ‘I Love Gujju’ પેજ ચલાવે છે દ્વારા નવરાત્રીને લગતી બનાવેલી વીડિયો શ્રેણીને પગલે મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તેમજ ઇન્ફ્લુએન્સર વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું,
જેના પરિણામે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે વીડિયો ડિલીટ કરાવી માફી મંગાવવાની ઘટના બની છે. ઇન્ફ્લુએન્સર રવિરાજ રાઠોડના જણાવ્યું હતું કે, તેમણે સમાજમાં જાગરૂકતા લાવવાના હેતુથી ‘નવરાત્રીની રિયાલિટી’ નામના ત્રણ વીડિયો બનાવ્યા હતા. તેમાં નવરાત્રી દરમિયાન બનતી કેટલીક ઘટનાઓ, હોટેલના દ્રશ્યો અને સેફ્ટી/પ્રાઇવસી સંબંધિત બાબતો દર્શાવવામાં આવી હતી., વીડિયોનો હેતુ માત્ર માતા-પિતા, તંત્ર અને સમાજને જાગરૂત કરવાનો હતો, કોઈ ધર્મ, સમાજ કે જ્ઞાતિની લાગણી દુભાવવાનો કે લાઈક્સ-વ્યૂઝ મેળવવાનો નહોતો. બજરંગ દળના કાર્યકરોએ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે તેમની પાસે પરાણે વીડિયો ડિલીટ કરાવ્યા અને માફી મંગાવી. વિરોધ દરમિયાન તેમની સામે તથા તેમના પરિવાર (માતા-પિતા અને બહેન) પ્રત્યે અશોભનીય અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. પોલીસ અને સ્થાનીય સ્ટાફની સમજાવટ બાદ રાતોરાત વીડિયો હટાવી લેવામાં આવ્યા છે. જો પબ્લિક તેમને ખોટા ગણશે તો તેઓ 100 વાર માફી માગવા તૈયાર છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો વિરોધ સામે પક્ષે, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ભરતસિંહ થાવરાણી અને બજરંગ દળના જય ટાકોલિયાએ આ વીડિયો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો., તેમણે જણાવ્યુ કે, અશ્લીલતા અને સનાતન ધર્મનું અપમાન છે, નવરાત્રી એ મા ભગવતીની આરાધનાનો પવિત્ર તહેવાર છે. વીડિયોમાં મહિલાઓ પાસે વાંધાજનક અને અશ્લીલ શબ્દો બોલાવવામાં આવ્યા હતા, જે સમાજ અને બહેન-દીકરીઓ માટે યોગ્ય નથી. માત્ર હિન્દુ તહેવારોને જ લક્ષ્ય બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અન્ય ધર્મોના કુરિવાજો કે તહેવારો પર આવા વીડિયો બનાવવામાં આવતા નથી. બજરંગ દળના હોદ્દેદારો તેઓ વરતેજ પોલીસ સ્ટેશને અન્ય એક બાબતે ગયા હતા ત્યારે રવિરાજને વીડિયો હટાવવા સમજાવ્યો હતો. પરંતુ રવિરાજ ઉગ્ર થઈ ગયો હતો અને તેણે એવો દાવો કર્યો હતો કે તેને મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓએ વીડિયો બનાવવાનું કહ્યું છે., જ્યારે ઇન્ફ્લુએન્સર વીડિયો ડિલીટ કરવા તૈયાર ન થયો, ત્યારે કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. આખરે ઉપસ્થિત પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ વીડિયો હટાવવામાં આવ્યા હતા. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં ઇન્ફ્લુએન્સર પબ્લિકના સપોર્ટની માંગ કરી રહ્યા છે, જ્યારે ધાર્મિક સંગઠનો સનાતન સંસ્કૃતિની મર્યાદા જાળવવાની અપીલ કરી રહ્યા છે.

