Site icon hindtv.in

સોનગઢના ફૂલવાડીમાં ₹5.35 કરોડના હાટ બજાર પ્રોજેક્ટને લઈને વિવાદ

સોનગઢના ફૂલવાડીમાં ₹5.35 કરોડના હાટ બજાર પ્રોજેક્ટને લઈને વિવાદ
Spread the love

સોનગઢના ફૂલવાડીમાં ₹5.35 કરોડના હાટ બજાર પ્રોજેક્ટને લઈને વિવાદ
વર્ષ 2014થી મંજૂર હાટ બજાર પ્રોજેક્ટ 14 વર્ષથી કાગળ પર હોવાનો આક્ષેપ
આદિવાસી વિકાસ માટેની યોજનાના અમલીકરણમાં વિલંબનો આક્ષેપ
હાટ બજાર માટે ફાળવાયેલી સરકારી જમીન પર દબાણનો ગંભીર આરોપ

સોનગઢ: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૪થી મંજૂર થયેલા અંદાજે રૂ. ૫.૩૫ કરોડના ‘હાટ બજાર’ પ્રોજેક્ટ મામલે ગંભીર વિવાદ સર્જાયો છે. આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન અને રોજગારી માટેની આ મહત્વકાંક્ષી યોજના છેલ્લા ૧૪ વર્ષથી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનો અને બેરોજગાર યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2014 માં આ હાટ બજાર મંજૂર કરવામાં આવ્યું હતું. યોજનાના અમલીકરણ માટે રૂ. 5.35 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. વર્ષ 2024 માં રૂ. 2 કરોડની પ્રથમ હપ્તાની રકમ કાર્યપાલક ઇજનેરને ચૂકવવાના આદેશો પણ અપાયા હતા. જોકે, સ્થાનિક પંચાયતના સત્તાધારીઓ દ્વારા આ કામગીરી વારંવાર અટકાવવામાં આવી રહી છે. સ્થાનિક સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે, ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પરિવારજનોએ પદ અને સત્તાનો દુરુપયોગ કરીને હાટ બજાર માટે અનામત રાખેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું છે. અહીં વાણિજ્યિક હેતુ માટે પાકાં RCC બાંધકામો કરી ભાડે આપવામાં આવ્યા છે, તેમજ કરોડો રૂપિયામાં જમીનનું વેચાણ પણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વધુમાં, સરપંચ દંપતી પર સત્તાના જોરે આદિવાસી વિકાસના ફંડમાં ભ્રષ્ટાચાર કરવાનો અને પોતાની માલિકીની એજન્સીઓ મારફતે બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ છે. સરકારી અનામત જમીનો પર બનેલા આલીશાન બંગલા અને શો-રૂમ પાછળ આ ભ્રષ્ટાચારના નાણાં વપરાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટી તંત્રના ડિમોલેશનના આદેશો છતાં સ્થાનિક રાજકીય વગને કારણે આ દબાણો દૂર કરવામાં આવતા નથી. આદિવાસી સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૧૫ દિવસમાં પ્રોજેક્ટનું કામ શરૂ નહીં થાય અને ગેરકાયદેસર દબાણો દૂર નહીં થાય, તો કુકરમુંડા બંધનું એલાન આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહીની માંગ ઉઠી છે…

Exit mobile version