કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો
હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને રાહત
હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા
હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિતના પદાધિકારીઓની મુક્તિ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયે ધામો નાંખ્યો હતો અને રામધૂન સાથે હલ્લાબોલ મચાવીને ભાજપ-મોદી વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે એક તબકેક માહોલ તંગ બન્યો હતો.
છેલ્લાં 12 વર્ષથી કોંગ્રેસના દિગ્ગજોને કાનુની દાવપેજમાં ફસાવવાની કોશિશ કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપની મેલી મુરાદો પર પાણી ફેરતા કોર્ટે આખા કેસને જ રદબાતલ કર્યો હતો જેને પગલે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ જશ્ન સાથે ભાજપ સામે દેખાવો યોજી રહ્યાં છે. આ અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસના નવયુવાન પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ ઉધના મેઈન રોડ પર એકત્રિત થયેલા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલયે જ મોરચો માંડ્યો હતો અને કાર્યાલયનો ઘેરો ઘાલીને રામધૂમ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા જેને પગલે ભાજપ કાર્યાલયમાં બેઠેલા નેતાઓ અને કર્મચારીઓ પણ કચેરીના બહાર દોડી આવ્યા હતા. એક તબક્કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનું વાતાવરણ બન્યું હતું પરંતુ પોલીસે સકારાત્મક વલણ દાખવતા મામલાને સંભાલી લીધો હતો અને વાતાવરણ હળવું બનાવ્યું હતું.

