નવસારીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
દેશવ્યાપી વિરોધના ભાગરૂપે નવસારી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ પણ વિરોધમાં ભાગ લીધો
નવસારીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દેશભરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધના ભાગરૂપે નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી નજીક દેખાવો કર્યા હતા.કોંગ્રેસે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓની સમીક્ષા કરવાની તેમજ પશ્ચિમ બંગાળ અને બિહારમાં ફરી ચૂંટણી યોજવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
નવસારી કલેક્ટર કચેરી નજીક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિરોધ નોંધાવી કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચની કામગીરી કેન્દ્રની મોદી સરકાર સાથે મળીને કરવામાં આવી રહી છે. કાર્યકરોએ ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી અને કેટલાક આગેવાનો તથા કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.વિરોધ પ્રદર્શનમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, મહિલા આગેવાન પ્રભા વલસાડિયા, યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ, મનીષ બારોટ સહિત એ.ડી. પટેલ, વિરેન્દ્રભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

