સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો
બિસ્માર રસ્તાઓ, ખાડી પૂર, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ
કોંગ્રેસે ઝોન કચેરી ખાતે ઉગ્ર આવેદનપત્ર આપી તંત્રને ચેતવણી આપી
સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો હોય તેમ વરાછા ઝોન-બી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ખાડી પૂર, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ અને રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ઉદ્યોગોના મુદ્દે કોંગ્રેસે ઝોન કચેરી ખાતે ઉગ્ર આવેદનપત્ર આપી તંત્રને ચેતવણી આપી હતી.
સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછા ઝોન-બી કચેરી ખાતે રજૂ કરાયેલા આવેદનપત્રમાં મનપાના વહીવટ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસીઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વિસ્તારના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટીના રસ્તાઓ ખાડાઓથી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. વધુમાં આક્ષેપ કર્યો હતો કે પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે. ડ્રેનેજ લાઈનો અને ગટરોની યોગ્ય સફાઈ ન થતાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે. ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી સાયલન્ટ ઇન્ડસ્ટ્રીઝના કારણે સ્થાનિક લોકો ઘોંઘાટ, પ્રદૂષણ અને ધ્રુજારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું. સાથે દર વર્ષે સર્જાતી ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં મનપા નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ખાડી પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થતું હોવાનું જણાવાયું છે. સાથે જ સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓમાં પણ તંત્ર ઉદાસીન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો સાંભળો શુ કહી રહ્યા છે કોંગ્રેસીઓ.

