નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓએ પદયાત્રા યોજી
અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત
નહેરુ બ્રિજથી કોંગ્રેસના કાર્યકરો ખાનપુર ભાજપકાર્યાલય જતાં હતા
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ છે. આ મુદ્દાને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડીટેઈન કર્યા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા અને દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ‘સત્યમેવ જયતે’ના નાદ સાથે પદયાત્રાનું આયોજન અમદાવાદના નેહરુબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા. શહેર અને પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચાલતા ચાલતા નેહરુ બ્રિજથી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. ખાનપુર નહેરુ બ્રિજના છેડા પાસે પહોંચતા પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાજ શેખ સહિત કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસે આગળ જતા અટકાવ્યા હતા. પોલીસે ગાડીનો ડબ્બો આગળ ઉભો રાખી અને તમામ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું.
દિલ્હીની કોર્ટે મંગળવારે નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને 5 અન્ય વિરુદ્ધ સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ પ્રવર્તન નિર્દેશાલયની ફરિયાદ પણ ફગાવી દીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ મામલો કોઈ FIR પર નહીં, પરંતુ એક ખાનગી ફરિયાદ પર આધારિત છે. તેથી ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદ વિચારણા યોગ્ય નથી. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચન્ડાઇઝ અને સુનીલ ભંડારી આરોપી છે. તેમના પર નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) કંપનીની 2,000 કરોડથી વધુની સંપત્તિ હડપવાનો આરોપ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

