Site icon hindtv.in

ભાવનગરમાં કોંગ્રેસનો સન્માન સમારોહ, સરકાર સામે આકરા પ્રહાર

ભાવનગરમાં કોંગ્રેસનો સન્માન સમારોહ, સરકાર સામે આકરા પ્રહાર
Spread the love

ભાવનગરમાં કોંગ્રેસનો સન્માન સમારોહ, સરકાર સામે આકરા પ્રહાર
અમિત ચાવડાના દારૂબંધી અને કાયદો-વ્યવસ્થા મુદ્દે આક્ષેપ
“પીવાનું પાણી નહીં, ગલીએ-ગલીએ દારૂ મળે છે” : અમિત ચાવડા
શક્તિસિંહ ગોહિલે ભાવનગરના ઉદ્યોગો અને રોજગાર મુદ્દે સરકારને ઘેરી
2027ની ચૂંટણી માટે ભાવનગરથી પરિવર્તનનો અવાજ ઉઠાવવાનું આહ્વાન

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સતત નવ ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર ભરતભાઈ બુધેલિયાની ફરી વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ સ્થાનિક મુદ્દાઓ, કાયદો-વ્યવસ્થા, દારૂબંધી અને રોજગાર સહિતના મુદ્દે રાજ્ય સરકાર અને ભાજપ શાસન પર આકરા આક્ષેપો કર્યા હતા.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિવશક્તિ હોલ ખાતે વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા અને અન્ય કોંગ્રેસી કોર્પોરેટરોના સન્માન માટે કાર્યક્રમ યોજાયો હતો. ભરતભાઈ બુધેલિયા સતત નવ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હોવાનું જણાવતા અમિત ચાવડાએ તેમના રાજકીય કાર્યની પ્રશંસા કરી હતી. આ દરમિયાન અમિત ચાવડાએ ભાવનગરમાં પીવાના પાણી અને દારૂના મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, **“ભાવનગરમાં પીવાનું પાણી કદાચ નહીં મળે, પરંતુ ગલીએ ગલીએ દારૂ મળે છે.”** ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમણે ટિપ્પણી કરી હતી અને બહેન-દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપવા જણાવ્યું હતું. અમિત ચાવડાએ શિક્ષણના વ્યાપારીકરણ, યુવાનોમાં રોજગારનાપ્રશ્નો, NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દા તેમજ ડાયમંડ, સિરામિક, નાના વેપારીઓ અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. દારૂ અને ડ્રગ્સના મુદ્દે તેમણે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરના ઔદ્યોગિક વિકાસ અને રોજગારના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે આલ્કોક એશડાઉન બંધ થવા અને પ્લાસ્ટિક ઉદ્યોગની સ્થિતિનો ઉલ્લેખ કરતાં રોજગાર માટે લોકો સુરત તરફ સ્થળાંતર કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. સાથે જ મિલની જમીન પર જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવાની જાહેરાત છતાં હજુ સુધી કામગીરી આગળ ન વધ્યાનો પણ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક પ્રશ્નો સાથે આગામી રાજકીય લડત માટે કાર્યકરોને સક્રિય થવાનું આહ્વાન કર્યું હતું.

Exit mobile version