સુરત-તાપીમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સંપન્ન
915 શાળા-કોલેજોના 1,02,889 વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો
નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી જ્ઞાનવંત કરવાનો પ્રયાસ
સુરત અને તાપી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યો અંગે જાગૃતિ આવે તેમજ શિક્ષા સાથે વિદ્યાનો સમન્વય થાય તેવા હેતુથી યોજાયેલી આ પરીક્ષામાં બંને જિલ્લાના 1 લાખ 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા સ્થાપિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અંતર્ગત સમગ્ર દેશમાં 19 સપ્ટેમ્બર, 2026ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત સુરત અને તાપી જિલ્લામાં પણ ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ તેમજ વિવિધ શાળા-કોલેજોના આચાર્યો અને શિક્ષકોના સંયુક્ત પ્રયાસોથી પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. બંને જિલ્લાની કુલ 915 શાળા-કોલેજોના 1,02,889 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરીક્ષા દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને મૂલ્યો અંગે જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રસંગે ઉપઝોન સંયોજક અને ગાયત્રી ચેતના કેન્દ્ર, કતારગામના પુનાભાઈ પટેલે પરીક્ષાના સફળ આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પરીક્ષાના આયોજનમાં રાત-દિવસ મહેનત કરનાર સુરત જિલ્લા ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ તેમજ શાળા-કોલેજના સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

