સુરત વરાછા પોલીસની સરાહનીય કામગીરી
રિક્ષામાં ભૂલાયેલી ₹1.87 લાખની બેગ સીસીટીવીથી શોધી વેપારીને પરત કરી
સુરતની વરાછા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. જેમાં ઓટો રિક્ષામાં ભુલાઈ ગયેલી 1.87 લાખ રૂપિયાની બેગ સીસીટીવીના આધારે પોલીસે શોધી કાઢી વેપારીને પરત કરી હતી.
મહેસાણાથી સુરત આવેલા સાડીના વેપારી પુરણસિંગ સિસોદિયા 7 ઓગષ્ટના રોજ સરદાર માર્કેટથી વરાછા બોમ્બે માર્કેટ જવા રિક્ષામાં બેઠા હતા ત્યારે માર્કેટના ગેટ નંબર 4 પાસે રિક્ષામાંથી ઉતર્યા બાદ વેપારી પોતાની રૂપિયા 1.87 લાખ ભરેલી બેગ રિક્ષામાં જ ભુલી ગયા હતા. બેગ ગુમ થતા વેપારીએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને વરાછા પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષા અને તેના ચાલકની ઓળખ કરી હતી. રિક્ષા ચાલક તરીકે ગોડાદરાના સુનિલ બેગની ઓળખ થતા પોલીસે તેનો સંપર્ક કરી પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. અને રિક્ષા ચાલકે વેપારીની રોકડ ભરેલી બેગ પોલીસ સમક્ષ પરત કરી હતી. જેથી રોકડ ભરેલી બેગ પરત મળતા વેપારીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

