નવસારી મનપાનો અણઘડ વહીવટ અને લાલિયાવાડી
છ મહિના પહેલા જ શહેરના દુધિયા તળાવની પાળે સુંદર બાગ
કામ ચલાઉ ઢોરવાડામાં પશુઓની કાળજીમાં ગંભીર બેદરકારી
નવસારી મહાનગર પાલિકા દ્વારા દુધિયા તળાવ ખાતે ઊભા કરવામાં આવેલા કામ ચલાઉ ઢોરવાડામાં પશુઓની કાળજીમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે ગાયોની સ્થિતિ અત્યંત દુઃખદ બની છે.
નવસારીમાં પાલિકાના અણઘડ વહીવટના કારણે કડકડતી ઠંડી વચ્ચે શેડ વિનાના ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓ બીમાર પડ્યા છે. આ અંગે નવસારી પાલિકા દ્વારા સમયસર પશુ ડોક્ટરોને નહી બોલાવવામાં આવતાં બીમાર ઢોરની હાલત વધુ કથળી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક ગૌરક્ષકો તાત્કાલિક ઢોરવાડાએ પહોંચ્યા હતા અને બીમાર ગાયોની સારવાર શરૂ કરાવી હતી. ગૌરક્ષકોને ઢોરવાડામાંથી છ જેટલી ગાયો બીમાર મળી આવી હતી. પ્રાથમિક તારણ મુજબ, આ ગાયો ઠંડી અને ડીહાઈડ્રેશનના કારણે બીમાર પડી હતી. નવસારી પાલિકા પર ગંભીર આક્ષેપો પણ થયા છે કે પશુઓને નિયમિતપણે ચારો આપવામાં આવતો નથી અને ચાર ચાર દિવસે માંડ ચારો પૂરો પાડવામાં આવે છે.
જોકે, નવસારી મહાનગર પાલિકા દ્વારા આ ઢોરવાડાની વ્યવસ્થા કામચલાઉ ધોરણે કરાઈ હોવાનું જણાવાયું છે. પાલિકાએ દાવો કર્યો છે કે ઢોરવાડામાં આવતા પશુઓ માટે ચારા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેટરનરી ડોક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જલાલપોરના ખંભલાવ ગામે પાંજરાપોળનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં તે તૈયાર થઈ જશે, જ્યાં આ પશુઓને સ્થળાંતરિત કરવામાં આવશે. જોકે, ત્યાં સુધી પાલિકાએ વર્તમાન ઢોરવાડામાં પશુઓની યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
