ગાંધી જયંતીએ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સ્વચ્છતા અભિયાન
ધારાસભ્ય ઈશ્વર પરમાર અને કલેક્ટર તેજસ પરમારે શ્રમદાન કર્યું
ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશને સાકાર કરવા સુરત જિલ્લાના ઐતિહાસિક અને આઝાદીની ચળવળના સાક્ષી એવા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારે મહાત્મા ગાંધીજીને સૂતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું.
મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.ગાંધીજીના ગ્રામોદ્યોગ અને આત્મનિર્ભરતા, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશનું સ્મરણ કરી કલેક્ટરશ્રીએ સ્વરાજ આશ્રમના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ગાંધીજીના અહિંસા, સત્ય તથા સ્વાવલંબનના વિચારોને જીવનમાં ઉતારવા માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા એ માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ દૈનિક જીવનનો ભાગ અને જીવનશૈલી બનવી જોઈએ. આ વેળાએ સ્વરાજ આશ્રમથી શહીદ ચોક સુધીના માર્ગ પર તેમજ અસ્તાન ફાટક હનુમાનજી મંદિર વિસ્તારમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને હરિયાળીના સંદેશને ચરિતાર્થ કરવા માટે કલેક્ટરશ્રી તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નિલમબેન વ્યાસ, નગરપાલિકા ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણા, પ્રાંત અધિકારી રોશની પટેલ, મામલતદાર ભરત પટેલ, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ સહિત આશ્રમ પરિવારના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા….

