ભાવનગર મફતનગરમાં બે જૂથ વચ્ચે મારામારી
તલવાર, ફરસો અને પાઈપ વડે થયેલા હુમલામાં બંને પક્ષે અનેકને ઈજા
ભાવનગરના મફતનગર વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોકમાં ગઈકાલે રાત્રિના સમયે બે પક્ષો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે આ બનાવમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, આ બનાવને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
ગઈકાલે તા. ૨૯ જૂનના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા અને તેનો ભાઈ તથા મિત્રો ચોકમાં ઉભા હતા. આ સમયે મહેશ બુધાભાઈ ગોહેલ અને તેના પરિવારજનો ત્યાં આવીને ઘર પાસે રાડો પાડવા બાબતે ઝઘડો કરતા વાત વણસી હતી. ગોપાલ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મહેશ ગોહેલ અને તેના સાથીદારો તલવાર, લોખંડનો ફરસો, ઈંટો અને પથ્થર લઈને આવ્યા હતા અને તેમને તથા તેમના મિત્ર ચેતનભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ગોપાલને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા.
બીજી તરફ, મહેશભાઈ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગોપાલ વાઘેલા અને તેના સાથીદારો તલવાર, લોખંડના પાઈપ, છરી અને ધારિયા જેવા હથિયારો લઈને ટોળું વળીને આવ્યા હતા. તેમણે મહેશભાઈ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશ પર હુમલો કર્યો હતો. જેમાં મહેશભાઈને ડોકના ભાગે ધારિયાનો ઘા વાગતા ગંભીર ઈજા પહોંચી છે અને ઓપરેશન કરવું પડ્યું છે, તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને પક્ષના ઈજાગ્રસ્તો ટ્રોમા સેન્ટર ખાતે સારવાર હેઠળ છે આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે,

