Site icon hindtv.in

ગુણેસદામાં વિકાસના દાવા પોકળ

ગુણેસદામાં વિકાસના દાવા  પોકળ
Spread the love

ગુણેસદામાં વિકાસના દાવા પોકળ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રસ્તો બિસ્માર હાલતમાં
ખખડધજ માર્ગથી ગ્રામજનોને ભારે હાલાકી
45 વર્ષ જૂનો પુલિયો બન્યો જોખમી
ગ્રામજનો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ

ઉકાઈ તાલુકાના ગુણેસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની વાતો માત્ર કાગળ પર રહી હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારની ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ બનાવવામાં આવેલ મુખ્ય રસ્તો આજે અત્યંત બિસ્માર અને ખખડધજ અવસ્થામાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

​સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ધારાસભ્યશ્રી દ્વારા આ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે વિકાસની મોટી-મોટી આશાઓ આપવામાં આવી હતી, પરંતુ કામ શરૂ કરીને અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું છે. રોડ પર પડેલા મોટા ગાબડાં અને પથ્થરો કોઈપણ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. મુખ્ય રોડ ઉપરાંત ગામના અન્ય બે મુખ્ય રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે, જેના કારણે ગ્રામજનોનું દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. ૪૫ વર્ષ જૂનું પુલિયું બન્યું જીવનું જોખમ ​માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ ગામનું એક પુલિયું (કોઝવે) અત્યંત જર્જરિત હાલતમાં છે. અંદાજે ૪૫ વર્ષ જૂનું આ પુલિયું હવે સાવ અસુરક્ષિત બની ગયું છે. ચોમાસા દરમિયાન જ્યારે પાણીનું સ્તર વધે છે, ત્યારે આ કોઝવે કમ પુલિયા પરથી પાણી ફરી વળે છે. આ જોખમી પરિસ્થિતિમાં રિક્ષામાં બેસી શાળાએ જતા બાળકો માટે હંમેશા અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે, જેને લઈને ગામના વાલીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ​વિકાસની રાહ જોતા ગ્રામજનોની મુશ્કેલીઓ ​દૂધ ઉત્પાદકોને દરરોજ ડેરી સુધી દૂધ પહોંચાડવામાં ભારે જોખમ અને મુશ્કેલી પડે છે. નોકરિયાત અને મજૂર વર્ગ માટે અવરજવર કરવી અત્યંત કષ્ટદાયક બની છે. શાળાએ જતા બાળકોની સુરક્ષા જોખમમાં છે. વૈકલ્પિક માર્ગનો અભાવ: રસ્તાઓ અને પુલની ખરાબીને કારણે ગ્રામજનોએ સોનગઢ થઈને ઉકાઈ સુધી લાંબુ અંતર કાપવું પડે છે, જેનાથી સમય અને ઇંધણનો બગાડ થાય છે. એક તરફ વિકાસના ગીતો ગાવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ગુણેસદાની જનતા પ્રાથમિક સુવિધા માટે તડપી રહી છે. આ પરિસ્થિતિને જોતા ગ્રામજનોએ હવે નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા નવયુવાન સભ્યો પાસે આશા વ્યક્ત કરી છે કે તેઓ આ ગંભીર મુદ્દાને વાચા આપે. ગ્રામજનોની માંગ છે કે આ જર્જરિત કોઝવે કમ પુલને તોડીને નવું બનાવવામાં આવે. શું જનતાએ માત્ર મત આપવા અને ખાતમુહૂર્તના ફોટા જોવા માટે જ આ સહન કરવાનું છે? ગુણેસદાના ગ્રામજનો હવે સત્તાધારી પક્ષ અને જવાબદાર તંત્ર પાસે ઉગ્ર માગ કરી રહ્યા છે કે વહેલી તકે મુખ્ય રસ્તાઓ અને વર્ષો જૂના જોખમી પુલિયાનું કામ પૂર્ણ કરવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…..

Exit mobile version