શેરબજાર અને રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ
ટેલીગ્રામ પર યુટ્યુબ વીડિયો લાઈક કરવાના નામે સાયબર ફ્રોડ
પેમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે રૂ.27.12 લાખની છેતરપિંડી
ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના એક મુખ્ય આરોપીની ધરપકડ
શેર બજાર અને રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરતી ગેંગના એકને સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યો છે. ટેલીગ્રામ પર યુ ટ્યુબ વિડીયો લાઈક કરવા અને પેમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ટાસ્ક આપવાના નામે 27.12 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનુ સામે આવ્યુ હતું.કેસમાં સુરત પોલીસે એક મુખ્ય આરોપીની સેલવાસ ખાતેથી ધરપકડ કરી લીધી છે.
સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને ટેલિગ્રામ પર યુ ટ્યુબ વિડીયો લાઈક કરવા અને અલગ-અલગ પેમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ટાસ્ક આપીને 27 લાખ 12 હજારથી વધુ રકમ મેળવી લેવામાં આવી હતી. ઠગોએ વિશ્વાસ કેળવવા શરૂઆતમાં નાના-મોટા કમિશન આપ્યા હતા અને ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવી રિટર્ન ન આપી છેતરપિંડી આચરી હતી. આ કેસની ટેકનિકલ તપાસ અને સર્વેલન્સના આધારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સેલવાસ ખાતે રહેતા આદિત્ય કરૂણા શંકર પાંડે નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી એચડીએફસી બેંકના બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો, જેમાં ફરિયાદી પાસે 3.10 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં 3 ટકા કમિશન પેટે સાયબર ક્રાઈમના નાણાંની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હતી.

