સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી
ધોળકિયા ગાર્ડનમાં વિદ્યાર્થીનીઓએ 140 જેટલા વૃક્ષોને રાખડી બાંધી
કંકુ-તિલક, આરતી અને પૂજા-અર્ચના સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ
ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના પવિત્ર પર્વને સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. પર્યાવરણ સંરક્ષણ માટે વીએન ગોધાણી ઈંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ ધોળકિયા ગાર્ડનમાં 70 વૃક્ષોને રાખડી બાંધીને અનોખો સંદેશ આપ્યો હતો. દીકરીઓએ વૃક્ષોને પોતાના ભાઈ સમાન માની તેમની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના સંકલ્પનો પર્વ. પરંતુ સુરતમાં આ જ ભાવનાને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતી એક અનોખી પહેલ જોવા મળી હતી. કતારગામ ખાતે આવેલી વી.એન. ગોધાણી ઈંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી હતી. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કર્યો હતો, આરતી ઉતારી હતી અને ત્યારબાદ વૃક્ષને રાખડી બાંધી હતી. માત્ર રાખડી બાંધીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો નહોતો, પરંતુ દીકરીઓએ પોતાના વૃક્ષની નિયમિત સંભાળ અને જતનની જવાબદારી પણ સ્વીકારી હતી. વૃક્ષોના કદ પ્રમાણે ખાસ રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી અને કયા વૃક્ષની જવાબદારી કઈ દીકરી સંભાળશે તે અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું. આ પહેલ પાછળનો વિચાર પણ ખૂબ જ અનોખો છે. જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે, તેમ આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું હતું કે વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું પણ એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે. આ અનોખી પહેલને એક પેડ મા કે નામ અભિયાન સાથે પણ જોડવામાં આવી છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌથી ખાસ વાત એ રહી કે શાળાની અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ માત્ર આજના દિવસ પૂરતો નહીં, પરંતુ વર્ષો સુધી જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દીકરીઓએ કહ્યું કે તેઓ દર વર્ષે રક્ષાબંધનના પર્વે પોતાના વૃક્ષને રાખડી બાંધશે અને તેની સંભાળ રાખશે. અર્થાત્ આજે જે વૃક્ષને રાખડી બંધાઈ છે, તેની સાથે આવનારા વર્ષોમાં પણ એક લાગણીસભર સંબંધ જળવાઈ રહેશે. આ પહેલ બાળકો માટે પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ બની છે. વૃક્ષો વાવો, તેને ઉછેરો અને તેનું રક્ષણ કરો આ સંદેશ રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડીને સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે.

