સુરેન્દ્રનગરમાં લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘુડખરનો ત્રાસ.
ધણાદ સહિત 7 થી વધુ ગામોમાં ઘુડખરનો આતંક.
ઘુડખરના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન.
સુરેન્દ્રનગરના ઘુડખર અભયારણ્યમાં વધતી વસ્તીથી ઘુડખર ખેડૂતો માટે આફત બન્યા છે. લખતર તાલુકાના ગામોમાં ઘુડખરનો ત્રાસ વધ્યો છે. તારીખ 25 માર્ચે ઘણાદ ગામે ખેડૂત મહાસંમેલન યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ અભયારણ્યમાં ઘુડખરની વસ્તીમાં સતત વધારો થતાં ઘુડખર હવે અભયારણ્ય વિસ્તાર છોડી નજીકના ગામોની સીમમાં વસવાટ કરવા પહોંચી ગયા છે. જેથી આ ઘુડખર ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે. આવી જ રીતે લખતર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પીડાઈ રહ્યા છે. જોકે, આ મામલે ખેડૂતોની અનેકવાર રજૂઆત બાદ પણ તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરતા ખેડૂતોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. અગાઉ વનવિભાગે ઘણાદ અને આસપાસના ગામોમાં ઘુડખરની ગણતરીનો સર્વે હાથ ધર્યો હતો. જે સર્વેમાં અંદાજે 150થી 175 ઘુડખર આ વિસ્તારમાં ભટકતા હોવાનું સામે આવ્યું હતું અને હાલની સ્થિતિએ ત્યાં 150-175થી વધીને કુલ 250થી વધુ ઘુડખર અહીં ભટકતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઘુડખરનો ત્રાસ વધ્યો છે અને આવી સ્થિતિમાં વનવિભાગ દ્વારા ઘુડખરના સ્થળાંતરની કાર્યવાહીના નામે માત્ર આશ્વાસન આપવામાં આવતાં ખેડૂતો ભારે રોષે ભરાયા છે અને હવે આંદોલન તરફ આગળ વધી રહ્યા છે.
મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઘણાદ, પેઢડા, અંકેવાળિયા, વણા, પ્રતાપપુરા સહિતના સાતથી વધુ ગામોમાં હાલ ઘુડખરના ટોળા વસવાટ કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી ઘુડખર ખેડૂતોનો ઊભા પાકનો કચ્ચરઘાણ બોલાવી રહ્યા છે. જે મામલે ખેડૂતોએ વનવિભાગ તેમજ જિલ્લા કલેક્ટરને અનેકવાર લેખિત રજૂઆત કરી હતી. જેના જવાબમાં વનવિભાગે ઘુડખરનું સ્થળાંતર કરવાની લેખિત ખાતરી પણ આપી હતી, પરંતુ આ હાલ ખાતરી પોકળ સાબિત થતા ખેડૂતો લડી લેવાના મૂડમાં આવ્યા છે. ખેડૂતોની માગ છે કે, હાલ ઉનાળાની સીઝનના કારણે ખેડૂતોના ખેતરો ખાલી પડ્યા છે, ત્યારે હાલના સમયમાં જ તંત્ર દ્વારા ઘુડખરનું સ્થળાંતર કરવામાં આવે તો ખેડૂતો આગામી સમયમાં સમયસર ખેતી કરી શકે છે. જોકે, વારંવાર રજૂઆત થયા બાદ પણ તેમની માગ ન સંતોષાતાં હાલ તેઓએ આગામી 25 માર્ચના રોજ ઘણાદ ગામે ખેડૂત મહાસંમેલનનું આયોજન કર્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

