Site icon hindtv.in

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવા
Spread the love

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવા
આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીનું નિદાન
નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરાયો છે. રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ ખાતે અત્યંત આધુનિક મશીન વડે હૃદયના બ્લોકેજ તેમજ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરાશે.

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી એટલે કે કેથ લેબ સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજીત 12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં 5 થી 50 હજારનો શુલ્ક લેવામાં આવે છે, તે સારવાર અહીં નિ:શુલ્ક આપવામાં આવશે. આ વિષે વધુ જણાવતાં સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારે કહ્યું કે, રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઇ ચુક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે.

હાલ આ સેવાઓ સુરત નવી સિવિલ ખાતે અપોઇન્ટમેન્ટને આધારે કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, કેથ લેબ સેવાના પ્રથમ દિવસે જ સિવિલમાં માથા અને પગનાં દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈ છે. તેમજ ભવિષ્યમાં કાર્ડિયાક વિભાગની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. અદ્યતન કેથ લેબની સુવિધા થકી નવી સિવિલ દર્દીઓની સેવામાં વધુ એક કદમ આગળ વધી છે. નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ ડો.કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજીસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રો.ડૉ.પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડૉ. હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજા પટેલ, વિવિધ ટેકનીશીયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version