Site icon hindtv.in

કન્ડમ જીપમાંથી મળેલા મનપાના જૂના રેકર્ડના પોટલાનો મામલો:

કન્ડમ જીપમાંથી મળેલા મનપાના જૂના રેકર્ડના પોટલાનો મામલો:
Spread the love

કન્ડમ જીપમાંથી મળેલા મનપાના જૂના રેકર્ડના પોટલાનો મામલો:
તપાસમાં રૂપમચોક રેકર્ડ રૂમમાંથી તાળા તોડી ચોરી થયાનો ખુલાસો,
ગંગાજળિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ પાસે થોડા દિવસ પૂર્વે એક કન્ડમ જીપમાંથી મહાનગરપાલિકાના જૂના રેકર્ડના પોટલા મળતા ચકચાર મચી જવા પામી હતી. જેને પગલે મનપા કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં સામે આવ્યું કે રૂપમ ચોક વિસ્તારમાં આવેલા રેકર્ડ રૂમના તાળા તોડી અજાણ્યા ઈસમોએ મહત્વના દસ્તાવેજોની ચોરી કરી બાદમાં તે જીપમાં મુકી દીધા હતા, જે મામલે ગંગાજળિયા પોલીસે અજણાયો ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર, ભાવનગર મહાનગર મ્યુન્સીપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગમા અધિક મદદનીશ ઈજનેર મહેન્દ્રભાઈ કેશુભાઈ પરમારે પોલીસ મથકમાં અજણાયો ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 21 એપ્રિલ 2026ના રોજ મોતીબાગ ટાઉનહોલ પાસે આઈ.સી.ડી.એસ. વિભાગની કન્ડમ જીપમાંથી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના જૂના રેકર્ડના પોટલા મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ રૂપમચોક ઘોઘાગેટ પોલીસ ચોકીની પાછળ આવેલા નગીનદાસ વાણિજ્ય ભવનના બીજા માળે આવેલા ફેરીસ્ત રેકર્ડ રૂમની મુલાકાત લીધી હતી, જ્યાં શટરનાં બંન્ને તાળા કાપેલી હાલતમાં મળી આવ્યા હતા અને અંદરનો રેકર્ડ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. સાથે જ કેટલાક મહત્વના જૂના રેકર્ડના પોટલા ગુમ થયેલા હોવાની શંકા વ્યક્ત કરી સમિતિએ પોતાનો અહેવાલ સોપ્યો હતો. જુનો રેકર્ડ બેઝમેન્ટમાં ખસેડાયેલ હાલતમાં મળી આવ્યો વધુ તપાસમાં સામે આવ્યું કે તા. 12 માર્ચ 2026ના રોજ સવારના સમયે શહેરના રૂપમચોક વિસ્તારમાં આવેલા નગીનદાસ વાણિજ્ય ભવનના ફેરીસ્ત રેકર્ડ રૂમમાં કર્મચારીઓ રેકર્ડ લેવા ગયા ત્યારે શટરનું તાળું કાપેલું જોવા મળ્યું હતું અને અંદરનો જુનો રેકર્ડ બેઝમેન્ટમાં ખસેડાયેલ હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે રૂમને નવું તાળું મારવામાં આવ્યું હતું.

ત્યારબાદ તા. 21 એપ્રિલ 2026ના રોજ મોતીબાગ ટાઉનહોલ પાસે ઉભેલી કન્ડમ જીપમાંથી વર્ષ 1984થી 1990 દરમિયાનના જુદા જુદા વિભાગોના મહત્વના રેકર્ડના પોટલા મળી આવતા તપાસમાં સામે આવ્યું કે 12 માર્ચથી 21 એપ્રિલ વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ સાધન વડે રેકર્ડ રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી આ પોટલા ચોરી કર્યા અને બાદમાં તેને જીપમાં મુકી દીધા હતા, જેને લઈને ગંગાજળિયા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ BNS એક્ટની કલમો 305(e), 331(3) અને 331(4) હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Exit mobile version