સુરતમાં વધી રહેલી ગરમીને લઈ છાશ વિતરણ
વાહન ચાલકો અને રાહદારીઓને સામાજિક સંસ્થા દ્વારા છાશ વિતરણ
ટ્રાફિક પોલીસ સાથે કિન્નર સમાજના આગેવાનો પણ જોડાયા
સુરતમાં વધી રહેલી ગરમીને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને સામાજિક સંસ્થા દ્વારા આયોજીત છાશ વિતરણમાં ટ્રાફિક પોલીસ સાથે કિન્નર સમાજના આગેવાનો પણ જોડાયા હતાં.
સુરત શહેરમાં વધી રહેલી આકરી ગરમી વચ્ચે માનવતાનો સરાહનીય દાખલો સામે આવ્યો છે. નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક આપવા માટે છાસનું વિતરણ કરાયુ હતું. આ સેવા કાર્યમાં કિન્નર સમાજના સભ્યો પણ જોડાયા હતા, જેમણે ઉત્સાહપૂર્વક ટ્રાફિક પોલીસ જવાનોને છાસ પીવડાવીને ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. અઠવાગેટથી વાય જંકશન સુધીના ટ્રાફિક રીજીયનમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગરમીના કપરા સમયમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. કિન્નર સમાજ દ્વારા કરવામાં આવેલો આ અનોખો અભિગમ લોકોમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાવી રહ્યો છે. કિન્નર સમાજની આગેવાન નુરીકુંવરે પણ લોકોને અપીલ કરી હતી કે, આકરી ગરમીમાં જરૂરિયાતમંદ લોકો અને ફરજ પર રહેલા કર્મચારીઓની મદદ માટે આગળ આવે. નવોદય ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે. આ રીતે ગરમીના સમયમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે માનવતાનો અભિગમ અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

