Site icon hindtv.in

નવસારીના ચીખલીના અંબાચ ગામે પુત્રની ઘાતકી હત્યા

નવસારીના ચીખલીના અંબાચ ગામે પુત્રની ઘાતકી હત્યા
Spread the love

નવસારીના ચીખલીના અંબાચ ગામે પુત્રની ઘાતકી હત્યા
કૌટુંબિક ઝઘડામાં આવેશમાં આવી ચપ્પુના ઘા ઝીંક્યા
પૂર્વ પત્ની અને પિતા પર જીવલેણ હુમલો

નવસારીના ચીખલી તાલુકાના અંબાચ ગામે કૌટુંબિક ઝઘડામાં પિતાએ પોતાના યુવાન પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા અંબાચ ગામેથી એક અત્યંત કંપારી છૂટી જાય તેવી ઘાતકી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પિતાએ જ કૌટુંબિક ઝઘડા અને આવેશમાં આવીને પોતાના યુવાન પુત્ર પર ચપ્પુ વડે પ્રાણઘાતક હુમલો કરી તેની નૃશંસ હત્યા કરી નાખી છે. માનસિક તણાવમાં રહેતા પિતાએ ઘરમાં અચાનક બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ જઈને પુત્રને ચપ્પુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે યુવાન પુત્રનું લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક જ પરિવારમાં પિતા દ્વારા જ પુત્રની હત્યા અને અન્ય બે સભ્યોને ઈજાગ્રસ્ત કરવાની આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર અંબાચ ગામમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ છે.

પ્રાથમિક વિગતો મુજબ, હત્યારો પિતા અગાઉ પરિવારથી અલગ રહેતો હતો અને માત્ર એક મહિના અગાઉ જ પોતાની પૂર્વ પત્ની તથા પુત્ર સાથે ફરીથી રહેવા માટે આવ્યો હતો. ઘટના સમયે બચાવવા વચ્ચે પડેલા પરિવારના અન્ય સભ્યો પર પણ હત્યારાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં તેની પૂર્વ પત્ની તેમજ હત્યારાના પોતાના પિતા પણ ચપ્પુના ઘા વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે કરી પંચનામું હાથ ધર્યું હતું. ગુનો આચરીને ફરાર થઈ ગયેલા હત્યારા પિતાને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને આગળની સઘન કાયદાકીય તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version