બારડોલીમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું દ્વિતીય સ્નેહમિલન યોજાયું: તેજસ્વી બાળકોનું બહુમાન કરાયું
સુરત જિલ્લાના બારડોલી સ્થિત સરદાર પટેલ ટાઉન હોલ ખાતે નિવૃત્ત પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક વિશેષ દ્વિતીય સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુરત, તાપી તેમજ આસપાસના અન્ય જિલ્લાઓમાંથી નિવૃત્ત થયેલા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો સુધી સાથે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિના ગાળામાં જૂના સાથીદારોને ફરી એકસાથે મળવાનો અવસર મળતા સમગ્ર હોલમાં ઉત્સાહ અને અનોખો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ ગરિમાપૂર્ણ સમારોહમાં રેન્જ આઈ.જી., જિલ્લા પોલીસ વડા (એસ.પી.) તેમજ સ્થાનિક ધારાસભ્યએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત પોલીસકર્મીઓની વર્ષોની સરાહનીય અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, પોલીસ સેવામાંથી વ્યક્તિ નિવૃત્ત થાય છે પરંતુ સમાજ પ્રત્યેની તેની ફરજ અને સંસ્કારો ક્યારેય નિવૃત્ત થતા નથી.
આ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ પ્રેરણાદાયી પહેલ પણ કરવામાં આવી હતી, જેમાં સેવા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ, રમત-ગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બાળકોનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને નિવૃત્ત કર્મચારીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા અને આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ થતા રહે તેવો સૂર વ્યક્ત કર્યો હતો….

