Site icon hindtv.in

તાપીમાં લાંચિયો ઓડિટર રંગે હાથ ઝડપાયો

તાપીમાં લાંચિયો ઓડિટર રંગે હાથ ઝડપાયો
Spread the love

તાપીમાં લાંચિયો ઓડિટર રંગે હાથ ઝડપાયો
દૂધ મંડળીના રિપોર્ટમાં ‘ક્લીન ચિટ’ના બદલામાં 15,000ની લાંચ માંગી,
એસીબીની ટીમે ત્રાટકીને ઘટના સ્થળ પર જ બંનેને દબોચ્યા

વ્યારા તાલુકામાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને સુરત મિલ્ક ઓડિટ ઓફિસના એક ઓડિટર અને તેના વતી લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને ૧૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઓડિટરે દૂધ મંડળીનો ક્ષતિરહિત ઓડિટ રિપોર્ટ આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.

મળતી માહિતી મુજબ, ફરિયાદીના ગામની દૂધ મંડળીનું વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના નાણાકીય વર્ષનું ઓડિટ સુરત સ્થિત સ્પેશ્યલ ઓડિટર (મિલ્ક) કચેરીના ઓડિટર ગ્રેડ-૨ ધર્મેશકુમાર રતિલાલ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. ગત માસમાં ઓડિટ પૂર્ણ કરી ક્ષતિરહિત રિપોર્ટ તૈયાર કરી આપવાના બદલામાં ઓડિટર ધર્મેશકુમારે ફરિયાદી પાસે ૧૫,૦૦૦ રૂપિયાના ‘અવેજ’ (લાંચ)ની માંગણી કરી હતી. ACB એ ગોઠવ્યું છટકું ફરિયાદી જાગૃત નાગરિક હોવાથી તેમણે આ રકમ આપવાને બદલે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે આજ રોજ તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ વ્યારાના ઉંચામાળ ગામે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે, જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. લાંચના છટકા દરમિયાન મુખ્ય આરોપી ઓડિટર ધર્મેશકુમાર વસાવાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ ત્યાં હાજર ખાનગી વ્યક્તિ જેતલકુમાર સુજીતભાઇ ગામીતને આપવા જણાવ્યું હતું. જેતલકુમારે ઓડિટર વતી ૧૫,૦૦૦ રૂપિયા સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા.

Exit mobile version