સુરતના સિંગણપોર વિસ્તારમાં જીવલેણ હુમલો કરતાં બંનેના મોત
10 થી 15 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો
ટોળાએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી પર ચપ્પુના ઘા ઝીંકતા મૌત
સુરતના સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે યુવકો પર 10થી 15 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતાં બંનેના મોત નિપજ્યા હતા. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે. કારણ કે સિંગણપોર વિસ્તારમાં બે યુવાનોની નજીવી બાબતે હત્યા કરાઈ હતી. વાત એમ છે કે સુરતના સિંગણપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયેલા 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટુ માળી સાથે ત્યાં હાજર કેટલાક યુવકો સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ થોડી જ વારમાં હિંસક રૂપ ધારણ કરી ગયો હતો. અને બોલાચાલી બાદ 10થી 15 જેટલા યુવકોનું ટોળું તિક્ષ્ણ હથિયારો સાથે ઘટના સ્થળે ધસી આવ્યું હતું. ટોળાએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી પર ચપ્પુના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ બનેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. તો ડબલ મર્ડરની આ ઘટનાથી સિંગણપોર સહિત સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

