આજથી સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ
પરીક્ષાને લઈને તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ
આજથી સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ જોવા મળી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં આજે પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં કુલ 45 પરીક્ષા કેન્દ્રો પર આજથી 31,310 વિદ્યાર્થીઓ પોતાની કસોટી આપશે. જેમાં ધોરણ 10 ના 18,314 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 12,996 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.વિશેષ વાત એ છે કે, પરીક્ષાના ટેન્શનને હળવું કરવા માટે જિલ્લાની વિવિધ શાળાઓમાં અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળાના અગ્રણીઓ, શિક્ષણ મંડળના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી, મોં મીઠું કરાવી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર સજ્જ છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાની વાત કરીએ તો, જિલ્લા પોલીસ તંત્રના 33 ઉચ્ચ અધિકારીઓ સહિત 918 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવશે….

