લીલીયામાં ગેરકાયદે સિંહ દર્શનને લઈને સૌથી મોટી કાર્યવાહી.
મૃતક સહિત ત્રણ લોકો સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્ટ હેઠળ ગુનો નોંધાયો.
8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી 8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી.
અમરેલી જિલ્લાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. આ વન્યપ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિતનો વન વિભાગનો કાફલો લીલીયા રેન્જ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિમલ નથવાણીએ ટ્વીટ કરતા કહ્યું કે, અમરેલીના લીલીયા પાસે જંગલ વિસ્તારમાં સિંહના મેટિંગ સમયે, ગેરકાયદેસર સિંહદર્શન માટે ગયેલા યુવકને સિંહે ફાડી ખાધાના સમાચાર દુઃખદ છે. લોકોએ સમજવું પડશે કે ચોમાસાનો સમય સિંહના મેટિંગ અને આરામનો સમય છે, જેના કારણે જંગલ કે સફારી ખાસ બંધ રાખવામાં આવે છે. તેમ છતાં જો ગેરકાયદેસર સિંહદર્શન માટે પ્રયત્ન થાય તો આવા ઘાતકી પરિણામ આવી શકે છે.
વર્ષોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ અને માણસના સહઅસ્તિત્વને આપણે જોયું છે અને તેને જાળવી રાખવાનો આ જ સમય છે. લોકોને મારી નમ્ર અપીલ છે કે, સિંહને કનડગત થાય તેવી કોઈપણ પ્રકારની પ્રવૃતિઓ ટાળવી જ જોઇએ. હુમલા બાદ સિંહ અત્યંત આક્રમક સ્થિતિમાં હતો અને તે યુવકના મૃતદેહને ઢસડીને દૂર સુધી ખેંચી ગયો હતો. સિંહ મૃતદેહ છોડવા તૈયાર ન હોવાથી, વન વિભાગની ટીમે સરકારી વાહનોના કાફલા સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ સિંહના કબજામાંથી મૃતદેહને મુક્ત કરાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
