સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલને મોટી સફળતા
આધાર કાર્ડમાં ખોટો એડ્રેસ બદલી, નકલી ફર્મ ઉભી કરી
કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક ફરાર આરોપીને ઝડપ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલને મોટી સફળતા મળી છે. આધાર કાર્ડમાં ખોટો એડ્રેસ બદલી, નકલી ફર્મ ઉભી કરી ટેક્સટાઇલ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને તામિલનાડુથી ઝડપી સુરત લાવવામાં આવ્યો છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટેક્સટાઇલ વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક નાસતા ફરતા આરોપી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલને તામિલનાડુમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપીઓએ ષડયંત્ર રચી આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા નામે શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઉભી કરી હતી. શરૂઆતમાં વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચેકથી ચુકવણી કરી વિશ્વાસ જીત્યો હતો.ત્યારબાદ કુલ 49 ચેક આપી અંદાજે 10 કરોડ 43 લાખ રૂપિયાથી વધુની જેકોર્ડ સાડીઓનો માલ મંગાવી લીધો હતો. બાદમાં તમામ ચેક રિટર્ન થતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યોની શોધખોળ સાથે વધુ તપાસ ચાલી રહી છે.

