સુરતમાં ગણેશ મહોત્સવ વચ્ચે પંડાલના પૈસાને લઈને મોટો વિવાદ
પૈસા ન મળ્યાનો આક્ષેપ કરી મંડપ બાંધનારે પંડાલ ખોલવાનું શરૂ કર્યું
ગણેશોત્સવ દરમિયાન જ પંડાલ ખોલવાની ઘટના સામે આવી
સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમ વચ્ચે પંડાલના પૈસાને લઈને મોટો વિવાદ સામે આવ્યો હોય તેમ લોકમાન્ય ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મંડપ બાંધનારને પૈસા ન મળતા ચાલુ ગણેશોત્સવ દરમિયાન જ પંડાલ ખોલવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે આયોજકો અને મંડપ બાંધનાર સામસામે આવી ગયા છે અને બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પંડાલના કામના રૂપિયા મામલે વિવાદ વકર્યો હતો. લોકમાન્ય ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, મંડપ બાંધનાર અને આયોજકો વચ્ચે 51 લાખ રૂપિયાના કામના પેમેન્ટને લઈને વિવાદ સર્જાયો હતો. મંડપ બાંધનારે આક્ષેપ કર્યો હતો કે કામના પૈસા સમયસર આપવામાં આવ્યા નથી અને હવે પેમેન્ટ નહીં કરવાની દાનત દેખાઈ રહી છે. બીજી તરફ આયોજકોનું કહેવું છે કે 32 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ મંડપ બાંધનાર દ્વારા કામ વ્યવસ્થિત અને સમયસર પૂર્ણ કરવામાં આવ્યું ન હોવાથી બાકીની રકમ અટકાવવામાં આવી છે. પૈસાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મંડપ બાંધનારે ચાલુ ગણેશોત્સવ દરમિયાન જ પંડાલ ખોલવાની શરૂઆત કરી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને આયોજક અને મંડપ બાંધનાર બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

