ભાવનગર ટ્રાફિક પોલીસે જેલરોડ વિસ્તારમાં તવાઈ બોલાવી.
આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ
વાહનોને લોક મારી કાયદાનું ભાન કરાવ્યું
ભાવનગર શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે સીટી ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા જેલ રોડ, સર.ટી. હોસ્પિટલ અને એ-ડિવિઝનથી પાનવાડી તરફ જવાના મુખ્ય માર્ગ પર વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.
ભાવનગરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે કાર્યવાહી દરમિયાન રસ્તા પર અડચણરૂપ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલી કુલ 22 લક્ઝુરિયસ કારને પોલીસે ઓન-ધ-સ્પોટ વ્હીલ લોક મારી દીધા હતા, જેને પગલે બેદરકાર વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગરના નીલમબાગથી એ-ડિવિઝન, સર.ટી. હોસ્પિટલ અને પાનવાડી રોડ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર અને પેચીદી બની ગઈ છે. ખાસ કરીને સર.ટી. હોસ્પિટલની આસપાસ અનેક ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીઓ આવેલી હોવાથી ત્યાં દર્દીઓ અને એમ્બ્યુલન્સની સતત અવરજવર રહે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક વાહનચાલકો પોતાની કાર ગમે ત્યાં આડેધડ પાર્ક કરીને જતા રહેતા હતા, જેના કારણે મેડિકલ ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સને નીકળવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસે આજે આ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું.
આજની આ કડક કાર્યવાહી અંતર્ગત ટ્રાફિકને અવરોધતા જાહેર રોડ પર મૂકાયેલી ૨૨ કારને લોક મારવાની સાથે તમામ કાર ચાલકોને કાયદાનું ભાન કરાવી સ્થળ પર જ દંડના મેમો પાઠવવામાં આવ્યા હતા અને નિયમ મુજબ દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરના મુખ્ય રસ્તાઓને દબાણમુક્ત રાખવા અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે મહાનગરપાલિકા અને પોલીસનું આ સંયુક્ત ઓપરેશન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. આગામી સમયમાં નો-પાર્કિંગમાં વાહન ઊભું રાખનારાઓ સામે વધુ કડક પગલાં લેવાશે. ટ્રાફિક પોલીસની આ આક્રમક કામગીરીને પગલે આજે હોસ્પિટલ અને જેલ રોડ વિસ્તારના માર્ગો ખુલ્લા અને સુગમ જોવા મળ્યા હતા, જેથી સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે…

