ભાવનગર એલસીબીની જુગાર પર મોટી કાર્યવાહી
ગંજીપત્તાનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
રોકડ ₹16,700 સહિત ₹36,700નો મુદ્દામાલ જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ગંજીપત્તાના હારજીતના જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ. 36 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોતીતળાવ ગ્રાઉન્ડ પાછળ જાહેર જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીએ રેડ કરતાં ઇરફાન ઉર્ફે પાનીયો સુમરા, અકરમ ઉર્ફે ભોપો સુમરા સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.16 હજાર 700ની રોકડ, એક મોબાઈલ ફોન અને ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂ.36 હજાર 700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કેટલાક સામે અગાઉ હત્યા, હત્યાની કોશિશ, પ્રોહિબિશન અને જુગાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

