સુરતમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરની સ્થિતિ
સારોલી ગામ, પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પાણી
5 થી 6 ફૂટ પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું
સુરતમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત હોય તેમ સારોલી ગામ, પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.
સુરતમાં ખાડી પૂરનો પ્રકોપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં બીજા દિવસે પણ 5થી 6 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પાણીના કારણે સારોલી પોલીસ સ્ટેશન ચારેબાજુથી ઘેરાઈ ગયું છે, જેના કારણે પોલીસની દૈનિક કામગીરી પણ અસરગ્રસ્ત બની છે. ભારે પાણી ભરાવાને કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના કાર, બાઈક અને અન્ય વાહનો પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં, વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થઈ જતાં આરોગ્ય સેવાઓ પર અસર પહોંચી છે. સ્થાનિક લોકો હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી પાણીના નિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ સુધી જનજીવન સામાન્ય બની શક્યું નથી.

