મોરબીમાં કેજરીવાલ વિશે સવાલ પૂછતાં જ ઝાપટ પડી
આપની સભામાં ઈસુદાન ગઢવીની ચાલુ સ્પીચે યુવાનને લાફો ઝીંક્યો
યુવાને કેજરીવાલ મુદ્દે સવાલ કરતા યુવાનને લાફો માર્યો.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે તારીખ 4 ઓગસ્ટના મોરબીમાં “ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ આપના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એને લઇ સભામાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલમીડિયામાં વાઇરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.
મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી આ સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મોંઘવારી, ખેડૂતોને ખાતર ન મળવું અને રસ્તા-પુલોમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોને ટાંકીને કહ્યું હતું કે જ્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 રૂપિયાનો થઈ ગયો ત્યારે કોઈ ભાજપવાળા બોલતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઊતરવું પડે છે, ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં AAP સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. યુવાને માઈક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ દરમિયાન AAPના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઈક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો. આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં બનેલી થપ્પડકાંડની ઘટના બાદ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓનું ષડ્યંત્ર હોઈ શકે છે. મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી. તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતાં ભાજપે AAPની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે. ગઢવીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ થપ્પડ મારી તે AAP સાથે સંકળાયેલી નથી. તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીની “નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો” ગણાવ્યો. તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં AAPની 2000થી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. આ AAPની છબિ ખરાબ કરવાનું ષડ્યંત્ર હોઈ શકે છે. અંતમાં, ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે AAP કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી. તેમણે ભાજપને પડકાર ફેંકતાં કહ્યું હતું કે અમે ગરીબો, વંચિતો, શોષિતો અને બેરોજગારયુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં છે અને તેઓ “વિસાવદરવાળી” કરીને રહેશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

