સુરતમાં ચુંટણી આવતા જ ઉમેદવારને લઈ લોકો બાંયો ચઢાવી
વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ વિરોધ
સમાજ દ્વારા તેમના ઉમેદવારની અવગણના થવાના આક્ષેપો
સુરતમાં ચુંટણી આવતા જ ઉમેદવારને લઈ લોકો બાંયો ચઢાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવામળી હતી અને વિરોધનો સુર ઉઠ્યો હતો.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થતાં અડાજણ વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ઉમેદવારને બાકાત રાખવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના લોકોએ એકત્ર થઈ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને વોર્ડ નંબર 10 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થળ પર લોકોનું ટોળું વધતા પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બોલાવવી પડી હતી.
વિરોધ દરમિયાન કોળી સમાજ અને કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા તેમના ઉમેદવારની અવગણના થવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સ્થાનિક લોકોએ ચીમકી આપી કે જો ઉમેદવારને બદલી નહીં કરવામાં આવે તો આશરે 25 હજાર લોકો મતદાનથી દૂર રહેશે. પરિસ્થિતિને શાંત પાડવા માટે પૂર્ણેશભાઈ મોદી પણ કાર્યાલય પર પહોંચી ગયા હતાં અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.

