મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોમાં રોષ
કિધા મુજબ વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવાની કામગીરી અટકાવવામાં આવી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરીને સ્થાનિક ખેડૂતોએ રોકી દીધી છે. કંપની દ્વારા વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીમ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના માણસો કામ કરવા પહોંચતા જ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને કામગીરી બંધ કરાવી દીધી હતી.
મોરબી સાપકડા ગામની સીમમાં જુદા જુદા ખેડૂતોના ખેતરોમાં કુલ 18 જેટલા ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવાના થાય છે. આ માટે વીજ કંપનીએ અગાઉ એસ્ટીમેટ તૈયાર કરીને ખેડૂતોને લેખિતમાં વળતરની ચોક્કસ રકમ ચૂકવવાની ખાતરી આપી હતી. જોકે, ખેડૂતોનો આરોપ છે કે હવે કંપની વાસ્તવિક રીતે તેટલી રકમ ચૂકવવાનો ઇનકાર કરી રહી છે. કંપની સત્તાવાળાઓ હવે અગાઉના પત્રોમાં “ટેક્નિકલ ભૂલ” હોવાનું બહાનું કાઢીને ઓછું વળતર આપવાની વાત કરી રહ્યા છે, જેને પગલે ખેડૂતો આક્રોશિત ભરાયા છે. સ્થાનિક ખેડૂત મહાદેવસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, કંપનીએ જુદા જુદા ખેડૂતોને ઓછામાં ઓછા રૂ. 20,00,000 થી લઈને વધુમાં વધુ રૂ. 52,00,000 સુધીનું વળતર આપવા માટે લેખિતમાં આપ્યું હતું. પરંતુ હવે એસ્ટીમેટમાં ભૂલ હોવાનું કહીને કંપની રૂપિયા આપવાનો નનૈયો ભણી રહી છે
સાપકડાના ખેડૂતએ કંપનીને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે, તો આગામી સમયમાં ઉગ્ર ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કંપની પહેલા નક્કી થયેલું વળતર ચૂકવે, ત્યાર બાદ જ વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરવા દેવામાં આવશે.

