વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલનો શિક્ષણ વિભાગને રિપોર્ટ
પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સને બરતરફ કરાયા
શાળાના બે સુપરવાઇઝર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
અમદાવાદની શિલજ આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ: કર્મચારીઓને બરતરફ-સસ્પેન્ડ, કેન્ટીન પર પ્રતિબંધ અને શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપાયો
અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિવાદ વચ્ચે શાળાએ સમગ્ર મામલે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. વિવાદ બાદ શાળા મેનેજમેન્ટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં પૂર્વ ડિરેક્ટરની દીકરી અને શાળામાં કરિક્યુલમ ડિઝાઇનર તથા એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત મુંજા સમ્સને બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાના બે સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળાના કેન્ટીન ઇન્ચાર્જ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ શાળામાં નવા પ્રિન્સિપાલની નિમણૂકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે શાળાએ વિદ્યાર્થીઓ માટે રોજ પ્રાર્થના કરાવવા અંગે પણ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ બાંહેધરી આપી છે. હવે શાળામાં નિયમિત પ્રાર્થના યોજાશે અને આ અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
સમગ્ર વિવાદમાં સામે આવેલા પુસ્તકને લઈને પણ શાળાએ શિક્ષણ વિભાગ સમક્ષ સ્પષ્ટતા કરી છે. શાળાનું કહેવું છે કે પુસ્તકમાં એવી કોઈ સામગ્રી રજૂ કરવાનો ઇરાદો નહોતો, જેના કારણે કોઈની ધાર્મિક લાગણી દુભાય. આ મુદ્દે શાળાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં ભવિષ્યમાં આવી બાબતોનું ધ્યાન રાખવાની ખાતરી આપી છે. કેન્ટીનને લઈને પણ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું જરૂરી ક્લિયરન્સ મળ્યા બાદ જ શાળાનું કેન્ટીન ફરી શરૂ કરી શકાશે. નિયમોનું પાલન ન કરવા બદલ આનંદ નિકેતન સ્કૂલને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

