કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર
ભાદરવી અમાસે હજારો ભક્તોએ દરિયામાં પવિત્ર ડૂબકી લગાવી
નિષ્કલંક મહાદેવના મેળામાં આસ્થાનું ઘોડાપૂર
કોળિયાકમાં ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યો દરિયાકિનારો
ભાવનગરના કોળિયાક ખાતે આવેલા પાંડવકાલીન અને આસ્થાના કેન્દ્ર એવા નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દરિયામાં પવિત્ર ડૂબકી લગાવી ભગવાન નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર કોળિયાક ગુંજી ઉઠ્યું હતું. મેળાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવનગરના કોળિયાક ગામે દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા લોકમેળાનું આજે ભવ્ય સમાપન થયું. ભાદરવી અમાસ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોળિયાક ખાતે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે દરિયાનું પાણી ઓસરવાનું શરૂ થતાં જ ભક્તોએ પવિત્ર સ્નાન કરી નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા હતા. સવારે દરિયામાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. પાણી ઓસર્યા બાદ પોલીસે લીલી ઝંડી આપતા શ્રદ્ધાળુઓનો વિશાળ સમૂહ ઝડપભેર મહાદેવના દર્શન માટે આગળ વધ્યો હતો. કોળિયાકની પરંપરા મુજબ ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચાડવામાં આવી હતી. રાજવી પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. નિષ્કલંક મહાદેવને લઈને પાંડવો સાથે જોડાયેલી લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે. માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધમાં પોતાના સ્વજનોના વધ બાદ પાંડવોને પાપનું દુઃખ સતાવતું હતું. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને કાળો ધ્વજ અને કાળી ગાય આપી અને જ્યાં ગાય તથા ધ્વજનો રંગ સફેદ થઈ જાય ત્યાં પ્રાયશ્ચિત પૂર્ણ થયું હોવાનું માનવા કહ્યું હતું. પાંડવો અનેક તીર્થોની યાત્રા કર્યા બાદ કોળિયાકના દરિયાકાંઠે પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ સફેદ થયો હોવાની લોકમાન્યતા છે. ત્યારબાદ પાંડવોએ ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી અને અહીં પાંચ શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. ત્યારથી આ સ્થળ નિષ્કલંક મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું છે.મેળામાં આવતા હજારો ભક્તો માટે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી સહિત સ્થાનિક આગેવાનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
મેળામાં અંદાજે 5 ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભક્તો માટે ચા-પાણી, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એક ASP, 8 PI, 14 PSI સહિત 1021 પોલીસ જવાનો, હોમગાર્ડ, GRD, સાગર રક્ષક દળ અને તાલીમબદ્ધ સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર મેળા પરિસરમાં CCTV કેમેરા અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી હતી. દરિયાકાંઠે વોચ ટાવર પરથી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે મરીન પોલીસ દ્વારા સ્પીડબોટથી પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરવૈયાઓ અને રેસ્ક્યુ બોટને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. આમ, ભક્તિ, આસ્થા અને સેવાભાવના અનોખા સંગમ સમા કોળિયાકના નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસના મેળાનું ભવ્ય સમાપન થયું. હજારો ભક્તોએ પવિત્ર સ્નાન અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..

