Site icon hindtv.in

અમરેલીના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ચોરી

અમરેલીના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ચોરી
Spread the love

અમરેલીના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી કથિત ગેરકાયદે રેતી ચોરી
તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ
ગામલોકોએ બેઠક યોજી લડતનું એલાન કર્યું

અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોએ એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગ્રામજનોએ નદીના પટમાં ઉતરી રામધૂન કરી “રેતી ચોરી બંધ કરો” અને “શેત્રુંજી નદી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે ખાણ-ખનીજ વિભાગ સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

સરંભડા ગામમાં યોજાયેલી એક બેઠકમાં સ્થાનિકો ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને રાજકોટ સહિતના શહેરોમાં વસતા સરંભડા ગામના યુવાનો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ગામની નદીમાંથી હવે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવા દેવામાં આવશે નહીં. ગ્રામજનોએ આગામી સમય માટે એક કાર્યયોજના પણ ઘડી છે. જો ફરીથી રેતી ચોરીનો પ્રયાસ થશે, તો સંબંધિત વાહનો, વ્યક્તિઓ અને તેની સંપૂર્ણ વિગતો પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગને આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. ગામના યુવાનોએ નદીને બચાવવા માટે સતત દેખરેખ રાખવાનો સંકલ્પ લીધો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાંથી આવેલા તમામ યુવાનોએ ગામમાં આવીને મોટો સહકાર આપ્યો છે. શેત્રુંજી નદીમાં થતા ખનનથી પર્યાવરણ અને જળસ્ત્રોત બંનેને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સંજોગોમાં જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, તેને અમે સંપૂર્ણ જવાબદારી સાથે આગળ ધપાવીશું. આગામી દિવસોમાં નદીમાંથી રેતીનો એક ફેરો પણ ન ભરાય તે માટે તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે.”

સરંભડા વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં આવે છે, જ્યાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓની અવરજવર રહે છે. નદીમાંથી અતિશય રેતી ખનન થવાથી પાણીનો સંગ્રહ ઘટશે અને પર્યાવરણને ગંભીર નુકસાન થશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને જરૂર પડ્યે ડ્રોન દ્વારા પણ નદી વિસ્તાર પર નજર રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પોલીસ અને વહીવટી તંત્રના સહયોગથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે. સરંભડા ગામના લોકોએ સ્પષ્ટ કર્યું છે કે શેત્રુંજી નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં અને આ માટે સમગ્ર ગામ એકજૂટ બન્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version