Site icon hindtv.in

સોનગઢ પાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

સોનગઢ પાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
Spread the love

સોનગઢ પાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
ખાડી સફાઈના બિલ અટકાવવા વિપક્ષની માંગ

સોનગઢ નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે હાથ ધરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી, ખાસ કરીને ખાડી સફાઈના કામમાં મોટા પાયે ગેરરીતિ અને લાલીયાવાડી આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ વિરોધ પક્ષના સભ્ય બાનુબેન શાબાશ ખાન પઠાણે કર્યો છે. આ મામલે તેમણે પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

સોનગઢ નગરપાલિકામાં બાનુબેન પઠાણે આક્ષેપ કર્યો છે કે, ખાડી સફાઈ માટે જે વર્ક ઓર્ડર અને ટેન્ડર આપવામાં આવ્યા છે, તેની સરખામણીએ સ્થળ પર નહિવત કામગીરી જોવા મળી રહી છે. એજન્સી દ્વારા માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે, જેના કારણે પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમણે માંગ કરી છે કે, તટસ્થ ટેકનિકલ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી ખાડીમાંથી કાઢવામાં આવેલા કચરાનું પંચનામું કરવામાં આવે. રજૂઆતમાં કાચબા ખાડી પાસે દુર્ગા આર્કેડ સામે આવેલી એક જર્જરિત દીવાલના કાટમાળ બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ કાટમાળ વરસાદી પાણીના નિકાલમાં અવરોધક બની શકે તેમ છે. જો ચોમાસા પૂર્વે આ અવરોધ દૂર કરવામાં નહીં આવે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને ધોવાણનું જોખમ વધી શકે છે. વિપક્ષી સભ્યએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા બિલ અને મેઝરમેન્ટ બુક (MB)ની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. જ્યાં સુધી વાસ્તવિક કામગીરી અને કાગળ પર દર્શાવેલી કામગીરી વચ્ચેની સુસંગતતા ચકાસાય નહીં, ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પેમેન્ટ ચૂકવવું જોઈએ નહીં. તપાસમાં જો ગેરરીતિ સાબિત થાય, તો જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાર્યવાહી કરવાની અને સંબંધિત અધિકારીઓ પાસેથી સરકારી નાણાંની વસૂલાત કરવાની માંગ કરવામાં આવી છે. પાલિકા તંત્રને આ મામલે આગામી સાત દિવસમાં લેખિત જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, પાલિકા તંત્ર આ આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે અને શું ખરેખર કોઈ તટસ્થ તપાસ હાથ ધરાય છે કે કેમ?.

Exit mobile version