સુરત મનપાની કામગીરી સામે ફરી સવાલો, પાલનપુરમાં રોડની ગુણવત્તા સામે ફરિયાદ
₹11 કરોડના ખર્ચે બનેલા રોડમાં માત્ર બે વર્ષમાં મોટી તિરાડો
પાલનપુરના 800 મીટરના RCC રોડમાં તિરાડો પડતાં ઉઠ્યા સવાલ
સુરત મનપાની ફરી પોલ ખુલી હોય તેમ પાલનપુરમાં ગૌરવ પથને જોડતા અંદાજે 11 કરોડના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. માત્ર બે વર્ષમાં જ ડીએલપી પીરિયડ દરમિયાન 800 મીટરના આરસીસી રોડમાં મોટી તિરાડો પડી જતા તંત્રની કામગીરી સામે ફરિયાદ કરાઈ છે.
સુરતના પાલનપુર વિસ્તારમાં ગૌરવ પથને જોડતા 11 કરોડના રોડ પર ફરી એકવાર તિરાડો દેખાતા વિવાદ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે આ રોડ હજુ ડીએલપી એટલે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં જ છે, તેમ છતાં અંદાજે 800 મીટરના આરસીસી રોડમાં વચ્ચેથી ફાટી ગયો હોય તેમ ક્રેક પડી ગઈ છે. તિરાડો પડ્યા બાદ પણ હજુ સુધી રિપેરિંગની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. વરસાદી પાણી પણ આ ક્રેકના ભાગેથી જમીનમાં ઉતરી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ભાજપના માજી કોર્પોરેટર ઊષા પટેલે લેખિતમાં ફરિયાદ કરી તંત્રનું ધ્યાન દોર્યું છે. હવે 11 કરોડના રોડમાં બે વર્ષમાં પડેલી તિરાડો મામલે તંત્ર ક્યારે તપાસ અને રિપેરિંગની કામગીરી હાથ ધરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

