સુરતમાં વરસાદ બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું
શહેરમાં રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું
તમામ ઝોન વિસ્તારમાં સર્વે કરી રસ્તાઓનું કામ શરૂ કરી દેવાયું
મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી હાથ ધરી
સુરતમાં વરસાદ પડતા ખરાબ થઈ ગયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ હાથ ધરાયુ છે. તો સુરત મનપા દ્વારા હાલ તમામ ઝોન વિસ્તારમાં સર્વે કરી રસ્તાઓનુ કામ શરૂ કરી દેવાયુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના રસ્તાઓને પેચવર્ક કરવાનું કાર્ય ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પરને પૂર્વવત કરવા માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે. વરસાદના વિરામ બાદ પાલિકા દ્વારા ખાડાઓ ભરવા અને રસ્તાઓના પેચવર્કનું કાર્ય પ્રારંભ કરાયું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 8 સ્થળોએ માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સારોલી બ્રિજથી વરિયાવ ચેકપોસ્ટ સુધીનો માર્ગ, પ્રથમ સર્કલથી બાગબાન સર્કલ સુધી એટલે કે ગેલેક્સી સર્કલ માર્ગે, ભાઠા ગામથી ઈચ્છાપોર કેનાલ સુધી, સુભાષ ગાર્ડનથી સંગિની ગાર્ડનિયાથી ઉગત કેનલ રોડ, પાલનપુર ચોકડી એટલે કે જકતનાકાથી સાઈ તીર્થ જંક્શન સુધી, ધનમોરા કોમ્પલેક્સથી ઋષભ સર્કલથી વિજય સેલ્સ સર્વિસ રોડ, એલ.પી.સાવણી સર્કલથી હરિ ઓમ પેટ્રોલ પંપ સુધી, રામનગર ચાર રસ્તાથી રાંદેર ગામ બસસ્ટેન્ડ સુધીના રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ, વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા મહાનગરપાલિકા સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે.
