નવસારી શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પાલિકા સક્રિય
મહાનગરપાલિકા દ્વારા શહેરને ફરી બેઠું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી
વધારાના સફાઈ કર્મચારીઓને બોલાવી કામગીરી તેજ
નવસારી શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે મહાનગરપાલિકા દ્વારા શહેરને ફરી બેઠું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્ણા નદીના પાણી ઓસરતાં જ મનપા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી વધારાના સફાઈ કર્મચારીઓને બોલાવી કામગીરી તેજ કરવામાં આવી છે, જ્યારે આરોગ્ય વિભાગ પણ સંભવિત રોગચાળાને રોકવા માટે સજ્જ બન્યું છે.
નવસારી શહેરમાં પૂરનું પાણી ઓસર્યા બાદ હવે સૌથી મોટો પડકાર શહેરને ફરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે. આ માટે નવસારી મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી વિશેષ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. શહેરના શાંતાદેવી, ભેસ્તખાડા, રંગૂનનગર, મિથિલા નગરી, રિંગ રોડ, ગધેવાન સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આઠ વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી છે. પાણી ઓસરતા રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ કાદવ, કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
સફાઈ કામગીરીને વધુ વેગ આપવા જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાંથી 100થી વધુ સફાઈ કર્મચારીઓને નવસારી શહેરમાં બોલાવવામાં આવ્યા છે. ભારે મશીનરી સાથે માનવબળ પણ સતત કાર્યરત છે, જેથી શહેરમાં જનજીવન ઝડપથી સામાન્ય બની શકે. પૂર બાદ રોગચાળો ફાટી નીકળે નહીં તે માટે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ સજ્જ બન્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ, જંતુનાશક સ્પ્રે, ક્લોરિનેશન સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે અને આરોગ્ય ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે…

