સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ધોળા દિવસે અપહરણ
વેપારીનું મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં અપહરણ કરાયુ
તાપી એલસીબીની ટીમે અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ધોળા દિવસે એક વેપારીનું મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં અપહરણ કરાયુ હતુ જો કે તાપી એલસીબીની ટીમે અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવ્યા હતાં.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાંડેસરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતા પ્રશાંત સરવૈયા નામના વેપારીને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાવી જવામાં આવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ગંભીર મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાઓનું પગેરું મેળવવાના સઘન પ્રયાસો શરૂ કર્યા હતા. અને આરોપીઓની કાર તાપી જિલ્લામાંથી પસાર થઈ હોવાનુ સામે આવતા પાંડેસરા પોલીસે તાપી જિલ્લા પોલીસને જાણ કરતા તાપી જિલ્લા એલસીબીની ટીમે તાપી વ્યારા ટોલ નાકા ખાતે કોર્ડન કરી પાંચ આરોપીઓ વસીમ શેખ, અસફાક અન્સારી, ઈબ્રાહીમ અન્સારી, સોયેબ મોમીન અને મોક્તલીફ અન્સારીને ઝડપી પાડી અપહ્યત વેપારી પ્રશાંત સરવૈયાને મુક્ત કરાવ્યા હતાં. પાંચેય અપહરણકારોનો કબ્જો લઈ પાંડેસરા પોલીસ સુરત આવી હતી અને તેઓની ધરપકડ કરી હતી. તો આરોપીઓએ અઢી લાખની ઉઘરાણીમાં વેપારીનુ અપહરણ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.

