ભાવનગરના ગઢેશી ફાટક પાસે યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
સ્મિત સોલંકી ગંભીર ઈજાગ્રસ્ત, સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો
અંગત અદાવતમાં હુમલો થયાની આશંકા, પોલીસ તપાસ શરૂ
હુમલામાં ચાર વ્યક્તિઓની સંડોવણી હોવાની આશંકા
ભાવનગર શહેરના ગઢેશી રેલવે ફાટક નજીક યુવક પર તીક્ષ્ણ હથિયારથી પ્રાણઘાતક હુમલો થયાની ઘટના સામે આવી છે. સ્મિત પંકજભાઈ સોલંકી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવકની અંગત અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. બનાવને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાવનગરના ગઢેશી રેલવે ફાટક નજીક સ્મિત પંકજભાઈ સોલંકી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ, સુનિલ ઉર્ફે ગોલ્ડન મુકેશભાઈ ત્રિવેદી અને ધર્મેશ અરવિંદભાઈ તલાવિયા સહિત ચાર વ્યક્તિઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પૈકી બે વ્યક્તિઓ સગીર વયની હોવાનું પણ જણાવાયું છે. પ્રાથમિક વિગતો અનુસાર, સુનિલની બહેનનું નામ ઈજાગ્રસ્ત યુવક લેતો હોવાની અદાવતને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

