સુરત અડાજણમાં પોલીસની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો
સુસાઈડ એટેમ્પ્ટના કોલ બાદ PCR-56 માત્ર 2 મિનિટ 10 સેકન્ડમાં પહોંચી
બારીમાંથી મહિલા પંખા સાથે લટકતી દેખાઈ, પોલીસે દરવાજો તોડી બચાવી
સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસની સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. સુસાઈડ એટેમ્પ્ટનો કોલ મળતા પીસીઆર-56ની ટીમ માત્ર 2 મિનિટ 10 સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચી હતી. બારીમાંથી જોતા મહિલા પંખા સાથે લટકતી જોવા મળી હતી, ત્યારબાદ પોલીસે તાત્કાલિક દરવાજો તોડી મહિલાને નીચે ઉતારી સીપીઆર અને પ્રાથમિક સારવાર આપી 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે એક મહિલાનો અમૂલ્ય જીવ બચી ગયો છે. અડાજણ પીસીઆર-56ને એક મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ પીસીઆર ટીમે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના ઘટનાસ્થળ તરફ દોડ લગાવી હતી અને માત્ર 2 મિનિટ 10 સેકન્ડમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બારીમાંથી અંદર નજર કરતા મહિલા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ગળેફાંસાની સ્થિતિમાં રહેલી મહિલાને તાત્કાલિક પંખા પરથી નીચે ઉતારી સ્થળ પર જ સીપીઆર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસની સમયસર મળેલી મદદના કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે. હાલ મહિલાની સ્થિતિ સ્થિર અને જોખમ બહાર હોવાનું જાણવા મળ્યું છે.

