માંડવીમાં 9 લાખ લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી ધરાશાયી
ધરપકડ કરાયેલા 8 આરોપીઓની જામીન અરજી
બારડોલી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી
માંડવીના તડકેશ્વર ખાતે ગાયપગલાં જૂથ સુધારણા યોજના અંતર્ગત બનેલી 9 લાખ લિટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થવાના મામલે ધરપકડ કરાયેલા 8 આરોપીઓની જામીન અરજી પર ગુરુવારે બારડોલી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા પુરાવા રજૂ કરતા ખળભળાટ મચી ગયો હતો. આરોપીઓના વકીલોએ દલીલ કરી હતી કે આ સિવિલ જવાબદારીનો વિષય છે અને કોન્ટ્રાક્ટર ફરી ટાંકી બનાવી આપવા તૈયાર છે. જોકે, તેની સામે સરકારી વકીલે પુરાવા સાથે જણાવ્યું કે, જે સ્થળે ટાંકી બની ત્યાંના નકશા જ નહોતા અને સોઈલ ટેસ્ટિંગ પણ કરાયું નહોતું. મોબાઈલ લોકેશન પરથી સાબિત થયું કે કોઈ અધિકારીએ સુપરવિઝન કર્યું નથી. પાયાનું ખોદકામ 3 મીટરને બદલે માત્ર અઢી મીટર કરાયું હતું અને નિર્ધારિત 30M રેશિયો સામે માત્ર 14 M રેશિયો વાપરી સિમેન્ટ-સ્ટીલની ઉચાપત કરવામાં આવી હતી.
તપાસમાં વધુમાં બહાર આવ્યું કે, અન્ય ગામની ટાંકીના ફોટા રજૂ કરી 28 લાખ રૂપિયા મેળવી લેવાયા હતા. અગાઉ હરિયાલ ગામે અધૂરા કામના 78 લાખ પડાવી લીધા બાદ, તે જ નકશા તડકેશ્વર માટે વાપરવામાં આવ્યા હતા. મહેસાણાના કોઈ ગામનો બોગસ સોઈલ રિપોર્ટ રજૂ કરી આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર એજન્સી, PMC એજન્સી અને પાણી પુરવઠાના અધિકારીઓની મિલીભગત ખુલ્લી પડતા કોર્ટે જામીન અરજીનો ચુકાદો હવે શનિવાર પર મુલતવી રાખ્યો છે..
