Site icon hindtv.in

નવસારીના રમતજગત માટે આજે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર

નવસારીના રમતજગત માટે આજે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર
Spread the love

નવસારીના રમતજગત માટે આજે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર
પ્રતિભાશાળી યુવા મહિલા ક્રિકેટર મૈત્રી મણિયારની પસંદગી
ભારતીય અંડર-19 (U-19) મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી

દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીના રમતજગત માટે આજે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. નવસારીની પ્રતિભાશાળી યુવા મહિલા ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતીય અંડર-19 (U-19) મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. BCCI દ્વારા આગામી સમયમાં યોજાનારી ‘IDFC ફર્સ્ટ બેંક શ્રીલંકા વુમન્સ U-19 ટૂર ઓફ ઇન્ડિયા’ માટે સત્તાવાર ટીમ જાહેર કરાઈ છે, જેમાં મૈત્રી ભારતની જર્સીમાં મેદાન પર જોરદાર પ્રદર્શન કરવા માટે સજ્જ થઈ છે. આ અદ્ભુત સિદ્ધિ પાછળ એક દીકરીનો અથાક પરિશ્રમ અને તેના પરિવારની મોટી સંઘર્ષગાથા છુપાયેલી છે.

નવસારી જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મહિલા ક્રિકેટમાં આગળ વધવા માંગતી દીકરીઓ માટે મૈત્રી હવે એક રોલ મોડેલ બની ગઈ છે. માત્ર 5 વર્ષની કુમળી વયે બેડમિન્ટનથી રમતની શરૂઆત કરનાર મૈત્રીનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ એવો વધ્યો કે તેણે આ રમતને જ પોતાનું લક્ષ્ય બનાવી લીધું. મૈત્રીની આ પ્રતિભાને નિખારવા માટે તેના પરિવારે પણ કોઈ કસર બાકી નહોતી છોડી. દીકરીને ક્રિકેટમાં ઉચ્ચ કક્ષાની તાલીમ અને પ્રોફેશનલ વાતાવરણ મળી રહે તે માટે પરિવારે નવસારી છોડી વડોદરા શિફ્ટ થવાનો મોટો નિર્ણય લીધો હતો. વડોદરા જેવા શહેરમાં ભાડાના મકાનમાં રહીને પણ મૈત્રીની માતાએ આર્થિક અને માનસિક પરિસ્થિતિઓ સામે લડીને દીકરીની આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાની સફરને જીવંત રાખી.ભારત અને શ્રીલંકાની અંડર-19 મહિલા ટીમ વચ્ચે 3 T20 મેચ અને 3 વન-ડે મેચો રમાવાની છે, જેમાં મૈત્રી પોતાની કમાલ બતાવશે. આ સિદ્ધિ અંગે નવસારીમાં મૈત્રીને પાયાની તાલીમ આપનાર તેના બાળપણના કોચ કાંતિલાલ પટેલ પણ ભારે ગર્વ અનુભવી રહ્યા છે.

કોચ અને પરિવારના સપોર્ટથી આ મુકામ હાંસલ કરનાર મૈત્રીના ઘરમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. ભારતીય ટીમમાં સિલેક્શન બાદ ખુદ મૈત્રીએ પણ આ સફરના અનુભવો અને પોતાના આગામી મોટા લક્ષ્યો વિશે દિલ ખોલીને વાત કરી છે. ચોક્કસપણે, મૈત્રીનો આ સંઘર્ષ અને તેની અડગ મહેનત આજે હજારો દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. શ્રીલંકા સામેની આગામી સીરીઝમાં મૈત્રી મણિયાર શાનદાર પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું નામ વધુ રોશન કરે તેવી ઇચ્છા પરિવાર અને કોચ રાખી રહ્યું છે.

Exit mobile version