પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે નવસારીમાં અનોખો સેવાયજ્ઞ
સુપા ખાતેએસવીએનએમટી ટ્રસ્ટ દ્વારા 200 નિઃશુલ્ક નેત્ર સર્જરીનો સંકલ્પ
જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ આપવા ટ્રસ્ટનો સેવાભાવી પ્રયાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે નવસારીના સુપા ખાતે એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ મળે તે માટે ટ્રસ્ટ દ્વારા 200 નિઃશુલ્ક નેત્ર સર્જરી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
નવસારીના સુપા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ એટલે કે એસવીએનએમ દ્વારા નમો સંવેદના દિવસ નિમિત્તે 200 જરૂરિયાતમંદ દર્દીઓની સંપૂર્ણ નિઃશુલ્ક નેત્ર સર્જરી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ પહેલ માત્ર 200 આંખોને રોશની આપવાનો પ્રયાસ નથી, પરંતુ 200 જીવન અને 200 પરિવારોમાં ખુશી અને આશાનો સંચાર કરવાનો સેવાયજ્ઞ છે. નિવારી શકાય તેવા અંધત્વ સામે વર્ષોથી કાર્યરત એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 49,500થી વધુ નિઃશુલ્ક નેત્ર સર્જરીઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ટ્રસ્ટનું ઘર-ઘર દ્રષ્ટિ અભિયાન જરૂરિયાતમંદ લોકો સુધી નેત્ર તપાસ, સારવાર, ચશ્મા વિતરણ અને જનજાગૃતિ પહોંચાડવાના ધ્યેય સાથે કાર્યરત છે. એક પિતા પોતાના સંતાનને ફરી જોઈ શકે, એક માતા પરિવારના ચહેરા ફરી નિહાળી શકે અને વડીલો પોતાના પૌત્ર-પૌત્રીનું સ્મિત જોઈ શકે આ ભાવનાને કેન્દ્રમાં રાખીને આ સેવાયજ્ઞને આગળ વધારવામાં આવી રહ્યો છે. જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

