સુરતમાં આપ દ્વારા અનોખી પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરાયુ
આપએ મોઢે કાળી પટ્ટી બાંધી મૌન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
પાલિકાની સામાન્ય સભામાં જનહિતના સવાલો પૂછવાના હક પર મેયરે તરાપ મારી છે: વિપક્ષ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરાયુ હતુ જેમાં મોઢે કાળી પટ્ટી બાંધી મૌન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સુરત મનપાની સામાન્ય સભામાં સવાલો પૂછવાના કોર્પોરેટરોના હક પર મેયરે તરાપ મારી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કર્યા હતાં.
સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ અનોખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આપના કોર્પોરેટરોએ મોઢે કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ યોજતા સૌ વચ્ચે આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો મહેશ અણઘણ, દંડક રચના હીરપરા, વિપુલ સુહાગીયા, શોભના કેવડિયા, મનીષા કુકડીયા સહિતન કોર્પોરેટરોએ મોઢે કાળી પટ્ટી ધારણ કરી મેયર દક્ષેશ માવાણીના મનસ્વી નિર્ણયોનો મૌન સ્વરૂપે વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પ્રેસ વાર્તામાં કહેવાની વાતો પૂંઠા પર લખી બતાવીને સંબોધી હતી, કારણ કે સામાન્ય સભામાં મનસ્વી મેયર ના તો બોલવા દે છે કે ના તો સવાલોના જવાબો આપે છે. તેથી પ્રતિકાત્મક રીતે મોઢે પટ્ટી શરણ કરી મૌન સ્વરૂપે લખાણ વાંચવી પ્રેસ વાર્તા સંબોધી હતી. પ્રેસ વાર્તામાં મુખ્યત્વે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પ્લેકાર્ડ દર્શાવતા જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં સવાલો પૂછવાનો બીપીએમસી એક્ટ મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યાં છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે. પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધીઓને ચૂંટીને મોકલે છે, પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર રોક લગાવવામાં આવી રહી છે તે પ્રજાના જનાદેશનું અપમાન છે. મેયર લોકશાહી વિરુદ્ધનુ આવું કૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું અબજો રૂપિયાનું બજેટ છે પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે? તેમ કહ્યુ હતું.

