સુરતમાં સેવા, સન્માન અને સામાજિક જવાબદારીનો અનોખો સમન્વય
સખીયા સ્કિન ક્લિનિક આયોજિત રેકોર્ડ ફેલિસિટેશન એન્ડ બ્લડ ડોનેશન કેમ્પ
પ્લેટલેટ દાન ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનારનું સન્માન
સુરતમાં આજે સેવા, સન્માન અને સામાજિક જવાબદારીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સખીયા સ્કિન ક્લિનિક દ્વારા આયોજિત રેકોર્ડ ફેલિસિટેશન એન્ડ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્લેટલેટ દાનના ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર દીપ હિરપરાનું સન્માન કરાયુ હતું. આ સાથે મોટી સંખ્યામાં લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે પણ આગળ આવ્યા હતાં.
માનવસેવા એ જ મહાન સેવા. આ સંદેશને સાકાર કરતા સુરતમાં સાખીયા સ્કિન ક્લિનિક દ્વારા રેકોર્ડ ફેલિસિટેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં પ્લેટલેટ દાનના ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર દીપ હિરપરાનું વિશેષ સન્માન કરાયુ હતું. દીપ હિરપરાએ એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક એફેરેસિસ પ્લેટલેટ દાન કરવાનો રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના આ માનવતાભર્યા યોગદાનને બિરદાવવા માટે વિવિધ મહાનુભાવો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ કિરણ હોસ્પિટલના પ્રતિનિધિઓની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો.
રિતેશ ચંદપુરાએ એડજ્યુડિકેટર તરીકે ઉપસ્થિત રહી રેકોર્ડ પ્રક્રિયાને નિહાળી હતી. તો સન્માન સમારોહની સાથે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આયોજકોએ કહ્યુ હતુ કે એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે અને વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરે તે સમયની જરૂરિયાત છે.

