Site icon hindtv.in

નવસારીમાં વરૂણદેવને રિઝવવા માટે અનોખી અને પરંપરાગત ઉજવણી

નવસારીમાં વરૂણદેવને રિઝવવા માટે અનોખી અને પરંપરાગત ઉજવણી
Spread the love

નવસારીમાં વરૂણદેવને રિઝવવા માટે અનોખી અને પરંપરાગત ઉજવણી
ઈરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલ પારસી સમાજ
હિન્દુ ધર્મમાં જેમ પવિત્ર શ્રાવણ માસનું મહાત્મય

ઈરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો પારસી સમાજ આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરાઓ અને પ્રકૃતિ પ્રેમ માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં જેમ પવિત્ર શ્રાવણ માસનું મહાત્મય છે, બરાબર તેમ જ પારસી સમાજમાં આજથી પવિત્ર ‘બમન માસ’ નો પ્રારંભ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં આ માસ દરમિયાન વરૂણદેવને રિઝવવા માટે એક અત્યંત અનોખી અને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જે સમગ્ર ભારતમાં માત્ર નવસારી શહેરમાં જ જોવા મળે છે

“વરસાદજી ત્યારે આયેગા… જમરી સેત લાયેગા…” આ કોઈ સામાન્ય ગીત નથી, પરંતુ નવસારીની શેરીઓમાં ગુંજતા પારંપરિક પારસી ગીતોના એ સૂર છે, જે મેઘરાજાને ધરતી પર પધારવા માટેનું આમંત્રણ આપે છે. નવસારી જિલ્લામાં વસતા પ્રકૃતિ પ્રેમી પારસીઓ દ્વારા આજથી પવિત્ર ‘બમન માસ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ મહિનામાં ખાસ કરીને સારા ચોમાસા અને અનાજની સમૃદ્ધિ માટે વરૂણદેવને પ્રાર્થના કરવામાં આવે છે.આ પરંપરાની સૌથી સુંદર અને અનોખી વાત એ છે કે પારસી સમુદાયના યુવાનો અને વડીલો ટોળા વળીને નવસારીના દરેક પારસી પરિવારોના ઘરે-ઘરે જાય છે. ત્યાં તેઓ પરંપરાગત ગીતો ગાય છે અને દરેકના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાળ તથા ચોખા એકઠા કરે છે. ત્યારબાદ આ સામગ્રીમાંથી ખાસ ધાર્મિક વિધિ અને પ્રસાદ તૈયાર કરી આખા સમાજ સાથે મળીને ઉત્સવ મનાવે છે.

.તમને જાણીને નવાઈ લાગશે કે પ્રકૃતિના રક્ષણ અને જીવદયાને વરેલા પારસીઓ આ આખા ‘બમન માસ’ દરમિયાન સંપૂર્ણપણે શાકાહારી બની જાય છે. માંસાહારના શોખીન ગણાતા પારસીઓ આ પવિત્ર મહિનામાં નોનવેજને હાથ પણ લગાડતા નથી. જીવ સૃષ્ટિ પ્રત્યે આદર અને વરૂણદેવને રિઝવવાની આ અનોખી સંસ્કૃતિ દક્ષિણ ગુજરાતના માત્ર નવસારી શહેરમાં જ જીવંત રાખવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.નવસારીના પારસીઓની આ અનોખી પરંપરા ખરેખર પ્રકૃતિ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ દર્શાવે છે. આશા રાખીએ કે વરૂણદેવ તેમની આ પ્રાર્થના સ્વીકારે અને ધરતી લીલીછમ બને

Exit mobile version